રાજયમાં કોરોનના વધતાં કેસને ધ્યાને લઈ ચાર મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુના સમયમાં બે કલાકનો વધારો કરી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
હવે આ વ્યવસ્થામાં 2 કલાકની સમય મર્યાદા વધારવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ક્રિકેટ મેચ નિહાળવા સ્ટેડિયમમાં પ્રેક્ષકોને છૂટ મળ્યા બાદ કોરોનાના આંકડાઓ વધવા લાગ્યા હતા. હવે સરકારે આકરું વલણ દાખવી ફરીથી કોરોના નિયમો કડક બનાવ્યા છે. મહાનગરોમાં વધતાં સંક્રમણને નિયંત્રણમાં લેવા વહીવટી તંત્રએ રાત્રિ કરફ્યુ સહિત માસ્ક વિના નીકળતા લોકો પર પણ સિકંજો કસ્યો છે.
કોરોના કેસોમાં ઉછાળો આવતા લોકોએ સ્વ બચાવ માટે સાવચેત રહેવું જરૂરી છે. સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.