ભારતના સૌથી લોકપ્રિય સિંગિંગ રિયાલીટી શોની લગભગ 9 મહિનાથી વધુ સમય સુધી ચાલેલી સંગીતમય સ્પર્ધા બાદ ઓડિશાના ભુવનેશ્વરની પ્રતિભાશાળી ગાયિકા જ્યોતિર્મયી નાયકે પોતાના સુરીલા અવાજ અને યાદગાર પરફોર્મન્સના આધારે ટ્રોફી પોતાના નામે કરી છે. વિજેતા તરીકે તેમને ટ્રોફી ઉપરાંત રૂપિયા 20 લાખની રોકડ ઇનામ રકમ પણ એનાયત કરવામાં આવી છે.

ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરના શ્રેષ્ઠ છ સ્પર્ધકો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. દરેક સ્પર્ધકે પોતાની શ્રેષ્ઠ રજૂઆત કરી હતી, પરંતુ જ્યોતિર્મયી નાયકે પોતાના ભાવસભર અને શક્તિશાળી અવાજથી જજ તેમજ દર્શકોનું દિલ જીતી લીધું હતું.

ફિનાલે દરમિયાન તેમની રજૂઆતને જજોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. અંતે દર્શકોના મત અને જજોના મૂલ્યાંકનના આધારે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ સીઝનમાં જબલપુરના ગાયક તનિષ્ક શુક્લા પ્રથમ રનર-અપ રહ્યા હતા. સમગ્ર સિઝન દરમિયાન તેમણે પણ સતત શાનદાર પરફોર્મન્સ આપીને મજબૂત દાવેદારી નોંધાવી હતી.ફિનાલે સુધી પહોંચેલા અન્ય સ્પર્ધકોમાં અંશિકા ચોંકર, મનરાજવીરસિંહ, મિસ્કમે બોઝુ અને સુહેલ સૂફી જેવા પ્રતિભાશાળી ગાયકોનો સમાવેશ થતો હતો.