ઓલપાડ : જીવ બચાવવા વેન્ટીલેટર તો ન મળ્યું પણ અંતિમ સફર માટે શબવાહિની પણ નહિ

New Update
ઓલપાડ : જીવ બચાવવા વેન્ટીલેટર તો ન મળ્યું પણ અંતિમ સફર માટે શબવાહિની પણ નહિ

સુરતના ઓલપાડમાં કોરોનાગ્રસ્ત મહિલાને જીવ બચાવવા માટે વેન્ટીલેટર તો ન મળી શકયું પણ મૃત્યુ બાદ અંતિમ સફર માટે શબવાહિની પણ નસીબ ન થતાં અંતે લારીમાં મૃતદેહને સ્મશાનગૃહ સુધી લઇ જવાની ફરજ પડી હતી.

કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. શ્વાસે શ્વાસે જીવન અને મરણ વચ્ચે જંગ ખેલાતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તેની સામે આરોગ્યલક્ષી સેવા ઓછી પડી રહી છે. કોરોના ખાસ કરીને ફેફસા પર અસર કરતો હોવાના કારણે રેમડેસિવીર ઇન્જેકશનની માંગ વધતાં હવે ઇન્જેકશનની તંગી ઉભી થઇ છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયાં છે અને જરૂરીયાતમંદ દર્દીઓને વેન્ટીલેટર પણ ઉપલબ્ધ થતાં નથી. વેન્ટીલેટરના અભાવે ઓલપાડની મહિલાએ જીવ ગુમાવી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડની મહિલાને કોરોનાનો ચેપ લાગ્યાં બાદ તેને વેન્ટીલેટરની જરૂર હતી. માતાનો જીવ બચાવવા માટે પુત્રએ સુરત શહેરથી માંડી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં વેન્ટીલેટરની તપાસ કરી હતી. માતાનો જીવ બચાવવા પુત્રએ કરેલી દોડધામની તમે કલ્પના કરી શકો છો. અથાગ પ્રયાસો છતાં વેન્ટીલેટર નહિ મળતાં આખરે પુત્રના શિરેથી માતાની છત છીનવાઇ ચુકી હતી. માતાના મૃત્યુના શોકમાંથી બહાર આવે તે પહેલાં અન્ય એક મુસીબતે દસ્તક દીધી હતી. મૃતક માતાને સ્મશાનગૃહ સુધી લઇ જવા માટે શબવાહિની પણ ન મળતાં આખરે મૃતદેહને લારીમાં લઇ જવાની ફરજ પડી હતી. માતા ગુમાવ્યાનું દર્દ અને બીજી તરફ મોતનો મલાજો ન જળવાયો તેનું દુખ.. કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહયું છે આપણે આપણા પરિવારના કોઇ સભ્ય કે સ્વજન કે મિત્રની આવી સ્થિતિ ન જોવી પડે તે માટે કોવીડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરીએ તેમાં જ હવે ભલાઇ રહેલી છે.

Latest Stories