ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
પોલીસ સંભારણા દિવસ નિમિત્તે કાર્યક્રમ
અધિકારીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
શહીદ પોલીસકર્મીઓના પરિવારજનોની લીધી મુલાકાત
લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા
પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે શહીદ પીએસઆઈ એન.બી. બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે શહીદ કોન્સ્ટેબલના પરિવારની મુલાકાત લઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2019થી દર વર્ષે 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજીને પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના આદેશ અનુસાર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરજ દરમિયાન લોકોની જાનમાલની રક્ષા કરતાં શહીદ થયેલા પીએસઆઈ એન.બી. બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈને યાદ કરવામાં આવ્યા હતા.
પીઆઈ એન.આર. ડામોર સહિત પોલીસ સ્ટાફે બંને શહીદ જવાનોના ફોટોગ્રાફ્સ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના બલિદાનને યાદ કરી ફરજપરસ્તી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ પીઆઈ એન.આર. ડામોર અને પોલીસ સ્ટાફ શહેરના રચના નગર ખાતે રહેતા શહીદ કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં પરિવારજનોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં.
પરિવારને કોઈ મુશ્કેલી કે જરૂરિયાત હોય તો જણાવવા પણ કહ્યું હતું.પોલીસની આ મુલાકાતથી પરિવારને હૂંફ મળી હતી. શહીદ જવાનના પરિવાર પ્રત્યે પોલીસની લાગણી અને સંવેદનશીલતા જોઈ તેમનાં પત્નીની આંખો ભરાઈ આવી હતી. તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
