રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાના હેતુથી આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે. આ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-૧૧ બહેનોની લૉન ટેનિસ સ્પર્ધામાં જિમખાના ટેનિસ એકેડમી, અંકલેશ્વરની બે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સ્પર્ધામાં એકેડમીની દિત્યા એ. પટેલે ઉત્કૃષ્ટ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે સ્વરા પી. સોનીએ તૃતીય ક્રમાંક મેળવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. બંને ખેલાડીઓએ પોતાની મહેનત, લગન અને રમત પ્રત્યેના સમર્પણના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવ્યા બાદ હવે દિત્યા પટેલ અને સ્વરા સોની આગામી રાજ્યકક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમની આ સફળતાથી જિમખાના ટેનિસ એકેડમીમાં ખુશીનો માહોલ છવાયો છે.