ભરૂચના આમોદના રાજકારણના ગરમાવો
રોડના નવીનીકરણ બાબતે જશ ખાટવા પ્રયાસ
ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
કોંગ્રેસે ફટાકડા ફોડી કરી ઉજવણી
વિરોધ પ્રદર્શન બાદ રોડ બન્યો હોવાનો દાવો
ભરૂચના આમોદના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે માર્ગના લોકાર્પણ બાદ કોંગ્રેસના આગેવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.માર્ગનું કામ કોંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શન બાદ પૂર્ણ કરાયુ હોવાનો તેઓએ દાવો કર્યો હતો
ભરૂચની આમોદ–જંબુસર વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર ચાર રસ્તાથી બત્રીસી નાળા સુધીના RCC માર્ગના લોકાર્પણ બાદ રાજકીય નિવેદનબાજી તેજ બની છે. આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
કોંગ્રેસે આ ઉજવણીને આમોદ–જંબુસર મતવિસ્તારના લોકોની જીત ગણાવી હતી.ગતરોજ આમોદ–જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા આ માર્ગનું રીબીન કાપીને અને શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મીડિયા સમક્ષ નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, NH-64 પરનો આ બિસ્માર માર્ગ વિપક્ષના વિરોધનો મુખ્ય મુદ્દો હતો પરંતુ હવે રસ્તો બની જતાં વિપક્ષ પાસે વિરોધ કરવા માટે કોઈ મુદ્દો રહેશે નહીં.ધારાસભ્યના નિવેદન બાદ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, NH-64 પર લોકોને પડતી હાલાકીને લઈને કોંગ્રેસ દ્વારા અગાઉના દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિરોધને પગલે તંત્ર અને સરકાર દ્વારા રસ્તાનું કામ કરવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.આ સાથે જ તેઓએ માર્ગ પર સાઈન બોર્ડ ને બમ્પર મુકવાની માંગ કરી છે
