સાંતલપુરના ચારણકા નજીક વીજ ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ
પ્રોજેક્ટમાં 749 મેગાવોટ ક્ષમતા સાથે થઈ થતું વીજ ઉત્પાદન
અવિરત વીજ પુરવઠો, રોજગારી-આર્થિક સદ્ધરતાનો આશય
ગુજરાતને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બનાવવા ભૂમિકા
રોજગારીની નવી તકો સર્જાતાં ગ્રામજનોનું જીવનધોરણ સુધર્યું
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલો વિશાળ સોલાર પાર્ક આજે ભારતની હરિત ઊર્જા ક્રાંતિનું અગ્રણી કેન્દ્ર બન્યો છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ નજીક એક સમયે ઉજ્જડ ગણાતી 4,700 એકરથી વધુ જમીન પર વિસ્તરેલા પ્રોજેક્ટમાં 36 ડેવલપર્સ દ્વારા 749 મેગાવોટ ક્ષમતા સાથે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે અવિરત વીજ પુરવઠો, રોજગારી અને આર્થિક સદ્ધરતા પૂરી પાડવાની સાથે આ પાર્કે ગુજરાતને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં સીમાચિહ્નરૂપ ભૂમિકા ભજવી છે.
વર્ષ 2010માં રાજ્ય સરકારે શરૂ કરેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 19 એપ્રિલ, 2012ના રોજ કાર્યરત થયો હતો. આશરે 7,500 વીઘા વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં અત્યાધુનિક સોલાર પેનલ્સ અને ઇન્વર્ટર બ્લૉક્સની નિયમિત તકનીકી દેખરેખ થકી અવિરત વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવામાં આવે છે. આ સોલાર પાર્કના નિર્માણથી ચારણકા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોને 24 કલાક વીજળી મળતી થઈ છે. સાથે જ આંતરમાળખાકીય વિકાસ થકી રોજગારીની નવી તકો સર્જાતાં ગ્રામજનોનું જીવનધોરણ સુધર્યું છે, અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની કુલ 274 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ગુજરાત 41.18 ગીગાવોટ સાથે અગ્રણી સ્થાને છે. કાર્બન એમિશન ઘટાડી પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર કદમ ઉઠાવનાર ચારણકા સોલાર પાર્ક હવે ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજ જેવા ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ તરફ આગળ વધી રહ્યો છે. આ સાહસ ગુજરાતની દીર્ઘદ્રષ્ટિ અને ટકાઉ વિકાસના સંકલ્પને વૈશ્વિક ફલક પર ઉજાગર કરે છે.
