પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે ખેતી કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા ખેડૂતોએ પાક સળગાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે 600 વિઘા જમીન ઉપર વાવેતર કરેલા એરંડા, ઘંઉ, ચણા, તમાકુ અને રાયડાના પાકને પાણી નહીં મળતા ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી નર્મદા નિગમની કેનાલ દ્વારા ખેતી કરવા માટે અપાતું પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જોકે, કેનાલમાં સાફ સફાઈના અભાવે ખેડૂતો સુધી પાણી પહોચતું નથી. ખેડૂતો જાતે કેનાલની સાફ સફાઈ કરે છે, તેમ છતાં પાણી નહીં મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ પાકની હોળી કરી સરકાર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સાથે જ આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.