-
પાટણનું વિજ્ઞાન, ગુજરાતનું ગૌરવ અને પશુપાલકોનું સન્માન
-
વધુ વાછરડી, વધુ દૂધ,પશુપાલક બન્યા ખુશખુશાલ
-
શ્વેતક્રાંતિ ટેકનોલોજીથી પશુપાલકોની બદલાઈ કિસ્મત
-
માત્ર 50 રૂપિયામાં સમૃદ્ધિનું દ્વાર,સેક્સ્ડ સીમેન ટેકનોલોજી
-
સેક્સ્ડ સીમેન ટેકનોલોજી પશુપાલકો માટે બની આશીર્વાદરૂપ
પશુપાલનએ ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે, અને જ્યારે ટેકનોલોજી પશુપાલકોના આંગણે પહોંચે ત્યારે સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. પાટણના ‘સ્ટેટ ફ્રોઝન સીમેન સ્ટેશને‘ એવી ક્રાંતિ છે જેના થકી પશુપાલકોની કિસ્મત બદલાય ગઈ છે.
પાટણના ‘સ્ટેટ ફ્રોઝન સીમેન સ્ટેશન‘ની ‘સેક્સ્ડ સીમેન ટેકનોલોજી‘ ગુજરાતના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ આધુનિક પદ્ધતિ દ્વારા પશુઓમાં હવે 91 ટકા સુધી માદા વાછરડીઓ જ જન્મે છે, જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે આ રસીની કિંમત રૂ.300 થી ઘટાડીને માત્ર રૂ.50 કરી પશુપાલકોને મોટો આર્થિક ટેકો આપ્યો છે. જૂન 2021થી અત્યાર સુધીમાં 3.19 લાખથી વધુ ડોઝના વપરાશ થકી હજારો પશુપાલકોની કિસ્મત બદલાઈ છે.
પાટણ જિલ્લાના ડેરી ક્ષેત્રમાં આવેલી આ શ્વેતક્રાંતિ પાછળ વિજ્ઞાનનો મોટો ફાળો છે. ‘સેક્સ્ડ સીમેન‘ પદ્ધતિમાં નર માટે જવાબદાર ‘Y’ ક્રોમોસોમ્સને દૂર કરી માત્ર ‘X’ ક્રોમોસોમ્સને સક્રિય રાખવામાં આવે છે.આ સચોટ ટેકનોલોજીને કારણે પશુપાલકો હવે ઈચ્છા મુજબ માદા પશુ મેળવી શકે છે, જે પશુપાલકોની આવક વધારવામાં સીધી મદદરૂપ બને છે.
કોઇટા ગામના પશુપાલક પિંટુજીના તબેલામાં આ ટેકનોલોજીના ઉપયોગથી પશુઓની સંખ્યા અને ઓલાદ બંનેમાં સુધારો થયો છે. અગાઉ પરંપરાગત પદ્ધતિમાં નર પશુ (ખુંટ) જન્મવાની ચિંતા રહેતી, પરંતુ આ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં તેમના દૂધના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે. આ જ ગામના મોહમ્મદ તૌફીક પશુપાલન દ્વારા વાર્ષિક રૂપિયા 20 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. તેમની 23 ગાયો દરરોજ 250 લિટર દૂધ આપે છે, જેમાં સેક્સ્ડ સીમેન ટેકનોલોજીથી જન્મેલી 15 વાછરડીઓનો મુખ્ય ફાળો છે.
રસીના ભાવમાં મળેલી રાહત અને માદા પશુઓની વધતી સંખ્યાને કારણે ગુજરાતના ખેડૂતો હવે ગૌવંશ સુધારણા સાથે આર્થિક સમૃદ્ધિ તરફ મક્કમ ડગલા માંડી રહ્યા છે.
