હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુધ્ધ ચાલી રહયું છે. યુક્રેનમાં વસતા લાખો લોકો તેમના જીવ બચાવવા માટે યુરોપના દેશો તરફ પ્રયાણ કરી રહયાં છે. યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને વતન પરત લાવવાની કાર્યવાહી વેગવંતી બનાવી દેવામાં આવી છે. આવા વિપરિત સંજોગોમાં પોલેન્ડમાં વસતા ગુજરાતીઓએ ભારતીય વિદ્યાર્થીઓ માટે મદદના દ્વાર ખોલી નાંખ્યાં છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુધ્ધ ચાલી રહયું છે. રશિયન સૈન્ય યુક્રેનના મોટા શહેરોમાં પ્રવેશી ચુકયું છે અને ચારેતરફ ગોળીબારના અવાજો આવી રહયાં છે. રશિયન સેનાએ યુક્રેનના રહેણાંક વિસ્તારો ઉપર બોંબ અને મિસાઇલો વરસાવવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં અનેક સૈનિકો અને નાગરિકો જીવ ગુમાવી ચુકયાં છે. યુધ્ધ વિરામ કયારે થશે તે કોઇ જાણતું નથી. આવા સંજોગોમાં યુક્રેનના નાગરિકો જીવ બચાવવા માટે યુરોપના દેશોમાં જીવ બચાવવા માટે પ્રયાણ કરી રહયાં છે. યુક્રેનના વિવિધ શહેરોમાં સ્થાયી થયેલાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકટ સંજોગોમાંથી પસાર થઇ હેમખેમ ઘરે પરત ફરવાની મથામણ કરી રહયાં છે. યુક્રેનમાં ફસાયેલા લોકો માટે પોલેન્ડે તેની સરહદ ખોલી નાંખી છે. ભારતીય નાગરિકોને વિઝા વિના પોલેન્ડમાં પ્રવેશ આપવામાં આવી રહયો હોવાનું ભારત ખાતેના પોલેન્ડના રાજદુતે કહયું છે. યુક્રેનમાં ફસાયેલાં ભારતીયોની મદદે પોલેન્ડમાં રહેતાં ગુજરાતીઓ આવ્યાં છે.
પોલેન્ડની રાજધાની વોર્સોવમાં આવેલી તુલસી રેસટોરન્ટે ફસાયેલા ભારતીય નાગરિકો માટે વિનામુલ્યે ભોજન આપવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તુલસી રેસટોરન્ટના માલિક વડોદરાના રહેવાસી હિમાંશુ પટેલ છે. તેમના પત્ની બેટા પટેલે સોશિયલ મિડીયામાં એક ભાવુક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે. અમે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે હરહંમેશ માટે તૈયાર છીએ. અમે અમારી તુલસી રેસટોરન્ટની મોકોતોવ અને ઉર્સેનોવ શાખા ખાતે યુક્રેનથી આવતાં ભારતીય નાગરિકોને વિના મુલ્યે ભોજન આપવા માટે તૈયાર છીએ. જો તમારા કોઇ સ્વજન કે મિત્ર વોર્સોવમાં ફસાયેલા હોય તો તેઓ મદદ માટે અમારો સંપર્ક કરી શકે છે અને શકય તમામ મદદ કરીશું..તુલસી રેસ્ટોરન્ટનું સરનામુ : તુલસી મોકોતોવ, ઇન્ડીયન રેસટોરન્ટ, ડોમાનીસ્કા 22, મેટ્રો વીલાવનોસ્કા, વોર્સોવ, પોલેન્ડ અને અન્ય શાખા પસાઝ સ્ટોકવોસે, ઉર્સેનોવ ખાતેનું છે. મોબાઈલ નંબર 0048664941351 ઉપર પણ સંપર્ક કરી શકાશે.
