ભરૂચ શહેરની ધોળીકુઈ બજારમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડતા તબીબ સહિત ત્રણ શખ્સોને A ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડો પાડી આરોપીઓ પાસેથી રોકડ રકમ, સ્માર્ટફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધોળીકુઈ બજારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન તબીબ ડૉ. મનોજ વખારીયા આંકડા લખતા એજન્ટ સાથે મળી આવ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન ડૉક્ટરની વધુ પડતી દખલગીરી શંકાસ્પદ લાગતાં તેમની પણ તલાશી લેવામાં આવી હતી.તલાશી દરમિયાન ડૉ. મનોજ વખારીયાના સ્માર્ટફોનમાંથી વોટ્સએપ ચેટ મળી આવી હતી, જેમાં આંકડા લખાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વોટ્સએપ ચેટની 14 પાનાની હિસ્ટ્રી પણ જપ્ત કરી છે.

આ કેસમાં ડૉક્ટર સાથે મળી ગેરકાયદેસર રીતે આંકડા લખતા અનિલ મહેતા તેમજ આંકડાના જુગારનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાતા તરન મોદીની પણ ધરપકડ કરવામાં આવી છે.દરોડા દરમિયાન પોલીસે દાવ પર લાગેલી ₹60,050ની રોકડ રકમ કબજે કરી છે. ઉપરાંત જુગાર માટે ઉપયોગમાં લેવાતા બે સ્માર્ટફોન અને વોટ્સએપ ચેટની 14 પાનાની હિસ્ટ્રી પણ જપ્ત કરવામાં આવી છે.