ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની પાર્ટીઓનું વધતું ચલણ
ડુમસના જશ્ન વિલા ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા
જન્મદિવસની ઉજવણી સાથે દારૂ પીરસાતો હોવાની પોલીસને બાતમી
દારૂ સાથે મહેફિલ મનાવતી 8 યુવતી સહિત 22 લોકોની પોલીસે ધરપકડ કરી
આરોપીઓમાં કેટલાક વિદ્યાર્થી અને નોકરિયાતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલા જશ્ન વિલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી દરમિયાન ચાલતી દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડી 8 યુવતીઓ સહિત 22 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની પાર્ટીઓનું ચલણ અટકતું નથી, ત્યાં સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારના બાપુવાડી સ્થિત જશ્ન વિલા ફાર્મ હાઉસ નં. 12 પર મોડી રાત્રે બર્થ-ડે પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 22 લોકોની અટકાયત કરી હતી, જેમાં 8 યુવતી અને 14 યુવકોનો સમાવેશ થાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે, દરેક લોકો અલગ-અલગ વિસ્તારોમાંથી પાર્ટીમાં પહોંચ્યા હતા. આમાં કેટલાક વિદ્યાર્થીઓ અને કેટલાક નોકરી કરતા લોકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર રિદ્ધિ જરીવાલા નામની યુવતીના જન્મદિવસ નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો આ પાર્ટીમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અને દારૂ પહોંચાડવામાં કોણ-કોણ સામેલ હતા, તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.
