ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલગામમાં ખુલ્લામાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર વાલિયા પોલીસે દરોડો પાડી રૂ. 57 હજારથી વધુના મુદ્દામાલ સાથે 10 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીએ જુદી જુદી ટીમો બનાવી વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. ડોડિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ દેવજી સિંગાભાઈને બાતમી મળી હતી કે, વાલિયા તાલુકાના વિઠ્ઠલગામ ખાતે રોડની બાજુમાં આવેલી એક ઓરડી બહાર કેટલાક લોકો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડતાં 10 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 12,760/-ની રોકડ રકમ, 2 મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000), એક મોટરસાયકલ કિંમત રૂ. 35,000 તેમજ જુગાર રમવાનો સામાન માલી કુલ રૂ.57,760નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે વાલિયા પોલીસ સ્ટેશનમાં તમામ 10 આરોપીઓ સામે જુગારધારા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.