/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/06151531/41oFKDhv_400x400.jpg)
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦% વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોવાથી માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય હતું. પરંતુ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ૧થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવ્યુ ન હતું. આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરવામાં આવતા યુવાનોને સરકારી સેવામાં તક મળે તે માટે નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે, તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે. ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી-૨૦૧૯માં લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને રોજગાર પૂરો પાડ્યો છે. લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ૮,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે, તેમજ ૧,૫૭૮ જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થતાં જ આવનારા સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લાની ફાળવણી કરવામાં આવશે. ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેનાથી યુવાનોને સરકારી નોકરીની તકો પણ ઉપલબ્ધ થશે.