રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. ત્યારે તારીખ 22-23 ના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાત આવશે. ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કલેક્ટર સાથે બે દિવસના વર્કશોપનું આયોજન કરાયું છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ બે દિવસીય બેઠક યોજાશે. જેમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ તેમજ ઈવીએમ ફર્સ્ટ લેવલ ચેકિંગ ને લઈને વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

નવેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. ત્યારે 22 જુલાઈના રોજ EVM ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી લઈને ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો છે. જેમાં 32 જિલ્લા કલેકટર અને નાયબ જિલ્લા અધિકારી અને EVM સપ્લાય કરતી અન્ય એજન્સીને ઈજનેરોની ટીમ હાજર રહેશે.ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી અથવા તો બીજા સપ્તાહથી EVM, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વી.વી. પેટના ફર્સ્ટ લેવલ ઇન્સ્પેક્શન ની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ કામગીરીને ઓગસ્ટના અંત સુધીમાં સંપન્ન કરી દેવામાં આવે તેવાં સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે. મળતી વિગતો મુજબ, રાજ્યની વિધાનસભા માટે રાજ્યભરમાં 56 હજારથી વધુ મતદાન મથકો આવેલા છે. એટલે ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહથી સપ્ટેમ્બરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ યોજાઇ શકે છે તેવાં સંકેતો પંચના વિશ્વસનીય સુત્રો તરફથી મળી રહ્યાં છે.