તળાજા યાર્ડમાં લાભપાંચમથી નવા વર્ષના વેપારનો વિધિવત પ્રારંભ

માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો-વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો

મીઠાઈ ખવડાવીને કપાસ અને મગફળીની ખરીદી શરૂ કરાઈ

દિવાળીની રજાઓ બાદ યાર્ડ ફરી ધમધમતું થતા પરિસરમાં રોનક છવાઈ

ખેડૂતો કપાસ અને મગફળીની જણસો લઈને યાર્ડમાં પહોંચ્યા

ભાવનગર જિલ્લાનું તળાજા માર્કેટિંગ યાર્ડ લાભપાંચમે ફરી એકવાર ધમધમી ઊઠ્યું છે. પરંપરાગત રીતે મુહૂર્ત કરી નવા વર્ષના વેપાર-ધંધા અને ખેત જણસોની હરાજીના વિધિવત શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.

દિવાળીના તહેવારોની રજાઓ બાદ આજે લાભપાંચમના શુભ મુહૂર્તે ભાવનગર જિલ્લાનું તળાજા માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર ધમધમી ઊઠ્યું છે. પરંપરાગત રીતે મુહૂર્ત કરી નવા વર્ષના વેપાર-ધંધા અને ખેત જણસોની હરાજીના વિધિવત શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.

તળાજા માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી જ પંથકના ખેડૂતો પોતાની મહેનતની ખેત જણસો લઈને પહોંચી ગયા હતા. લાભપાંચમના પવિત્ર અવસરે વેપારીઓ અને કમિશન એજન્ટોએ એકબીજાના તથા ખેડૂતોના મોં મીઠા કરાવી શુભ મુહૂર્તમાં વેચાણ અને ખરીદીની પ્રક્રિયા હાથ ધરી હતી. ખાસ કરીને યાર્ડમાં કપાસ અને મગફળીની મબલખ આવક સાથે હરાજી શરૂ થતાં પરિસરમાં ફરી એકવાર રોનક અને ચહલપહલ જોવા મળી હતી.

દિવાળી વેકેશન બાદ યાર્ડ પુનઃ કાર્યરત થતા ખેડૂતો, વેપારીઓ અને મજૂર વર્ગમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા વર્ષમાં ખેડૂતોને તેમની જણસોના પોષણક્ષમ ભાવ મળી રહે અને કૃષિ બજારમાં તેજી જળવાઈ રહે તેવી સૌ કોઈએ આશા વ્યક્ત કરી છે.