દેશમાં વધી રહેલાં કોરોનાના કહેર વચ્ચે દિવસમાં મળી આવતાં કેસની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓ સુપરસોનિક ગતિથી આગળ વધી રહયાં હોવાથી હવે ઓકિસજન અને વેન્ટીલેટર સહીતની સુવિધાઓ ઓછી પડતાં દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહયાં છે. આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારના રોજ ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો કરવા જઇ રહયાં છે. સવારે 9 કલાકે એટલે કે ગણતરીની મિનિટોમાં વડાપ્રધાન અધિકારીઓ સાથે બેઠક યોજશે.
દેશમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુદર વધી ગયો છે અને પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ચુકી છે. દેશભરમાં આરોગ્યલક્ષી સાધનો જેવા કે ઓકિસજન સિલિન્ડર અને વેન્ટીલેટરની અછ ત વર્તાઇ રહી છે. ઓકિસજનની અછતના કારણે દર્દીઓ ટપોટપ જીવ ગુમાવી રહયાં છે. બે દિવસ પહેલાં વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કરી લોકોને વેકસીન મુકાવી લેવા તથા ધૈર્ય જાળવી રાખવા અપીલ કરી હતી. દરેક રાજયોને તેમણે છેલ્લા વિકલ્પ તરીકે લોકડાઉનને પસંદ કરવા સુચના આપી છે. દેશમાં દરરોજ હાલત બદથી બદતર બની રહી છે. આવા સંજોગોમાં શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી સવારે 9 કલાકે અધિકારીઓ સાથે, 10 કલાકે જયાં કોવીડના કેસ વધારે છે તેવા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તથા 12.30 કલાકે ઓકિસજન ઉત્પાદકો સાથે બેઠક કરશે. ખાસ કરીને હાલમાં કોરોના વાયરસ સીધો ફેફસા પર એટેક કરી રહયો હોવાથી દર્દીઓને વેન્ટીલેટર અને ઓકિસજનની ખાસ જરૂર પડી રહી છે. દેશની મોટા ભાગની હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો ખુટી રહયો હોવાથી ઓકિસજનની વ્યવસ્થા ઝડપથી થાય તે જરૂરી છે. દિવસ દરમિયાન યોજાનારી ત્રણેય બેઠકો બાદ વડાપ્રધાન કેટલીક મહત્વની જાહેરાતો કરે તેવી સંભાવના રહેલી છે. ટુંક સમયમાં વડાપ્રધાન મોદી અને અધિકારીઓ વચ્ચે બેઠકનો પ્રારંભ થવા જઇ રહયો છે