રાજકોટ : કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું, ફરી એક વખત ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે

New Update
રાજકોટ : કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું, ફરી એક વખત ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે

અમદાવાદમાં આજે રાત્રીના 9 વાગ્યાથી 60 કલાક સુધી સતત કરફ્યુ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ રાજકોટમાં પણ શુક્રવારના બપોરના 12 વાગ્યા સુધી વધુ 37 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 9973 પર પહોંચ્યો છે, ત્યારે સમગ્ર મામલે રાજકોટ મેયર બીના આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓ દ્વારા બજારમાં પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.

રાજકોટના હોકર્સ ઝોન સહિતના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે પણ સૂચના આપવામાં આવી છે. શહેરટના પ્રવેશ દ્વારો તેમજ ટોલ બૂથ પર ફરી એક વખત કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. જોકે ગત રોજથી શહેરમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તો સાથે જ લોકોને પણ અપીલ કરાઇ છે કે, કરફ્યુની અફવાને લઈને બજારમાં લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી ન પડે તે દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે. હાલ રાજકોટમાં કરફ્યુ અંગેની કોઇ વિચારણા નથી. જોકે શુક્રવારે સાંજ સુધીમાં કોરોનાના વધુ 46 કેસ નોંધાતા એક દિવસમાં કુલ 83 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જે કોઈપણ આદેશ આપવામાં આવશે તેને ચોક્કસ અનુસરવામાં આવશે તેવું પણ રાજકોટ મેયર બીના આચાર્યએ જણાવ્યું હતું.

Latest Stories