રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દીનું મોત, નેતાઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો

રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દીનું મોત, નેતાઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો
New Update

રાજકોટ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અચાનક આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાં 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુમાં સારવાર હેઠળ હતા, ત્યારે આગ લાગવાની ઘટનામાં 5 દર્દીના મૃત્યુ નીપજતા સ્થાનિક નેતાઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગના પગલે અત્યાર સુધીમાં 5 જેટલા દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. ડીસીપી મનોજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુમાં સારવાર લઇ રહ્યા હતા, ત્યારે આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગ લાગવાની ઘટનામાં મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય 6 દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી પ્રિયંક સિંગ, રાજકોટ શહેરના મેયર બીના આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં કોઈ પણ આ ઘટના મામલે કસૂરવાર હશે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના તબીબ ડૉ. તેજસ કરમટાએ જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. હોસ્પિટલ નજીક ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. તો સાથે જ સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગનો બનાવ બનવા પામ્યો હોવાનું જણાવ્યુ હતું.

સમગ્ર મામલે રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ પાસે ફાયર સેફટીના તમામ સાધનો છે, તેમ છતાં આગજનીના બનાવ સમયે કોઇપણ કારણોસર તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઇ છે, ત્યારે ભગવાન તમામ મૃતકોના આત્માને શાંતિ આપે.

સમગ્ર બનાવની જાણ થતા રાજકોટ શહેરના મેયર બીના આચાર્ય પણ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પાસે ફાયરની એનોસી છે, સાથોસાથ ફાયર સેફ્ટીના તમામ સાધનો હોવા છતાં દુર્ઘટના ઘટી છે. રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કોવિડ હોસ્પીટલમાં આગ લાગવાના બનાવની જાણ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે જગ્યાએ આગનો બનાવ બન્યો હતો, તે આઇસીયુ વિભાગની પણ મુલાકાત લીધી હતી. આઇસીયુની મુલાકાત બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઘટનામાં 5 જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે. સમગ્ર મામલે એફ.એસ.એલ.ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે, ત્યારે જે પણ ઘટના બની છે, તે ખૂબ જ દુઃખદ છે.

#Rajkot Fire News #Rajkot fire #Rajkot police #rajkot news #Rajkot Mayor #Rajkot Gujarat #CM Rupani #Rajkot Collector
Here are a few more articles:
Read the Next Article