ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 21 ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવેલી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા 20 દિવસ સુધી રાખવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 23 હજારથી વધુ ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા મગફળીની પ્રતિ મણ રૂપિયા 1055ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, ત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં 23 હજાર 96 ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે સૌથી વધુ જામકંડોરણામાં 7952 ખેડૂતોએ અને સૌથી ઓછું ઉપલેટામાં 219 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
રાજકોટ જિલ્લાના 11 અને તાલુકાના 8 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન કરાતા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે. જોકે ખેડૂતો સમગ્ર ઓક્ટોબર મહિનો નોંધણી કરાવી શકશે, ત્યારે જીલ્લાના મોટા ભાગના યાર્ડમાં મગફળીના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના જુના યાર્ડમાં રાજકોટ તાલુકો, લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતો ગોંડલ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ પંચાયતોમાં ખેડૂતો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. સરકાર દ્વારા 20 કિલોના 1055ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, ત્યારે હવે આંશિક રાહત મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.