રાજકોટ : જેતપુરમાં રસ્તાની કામગીરી લોકોએ અટકાવી, જુઓ શું છે કારણ

New Update
રાજકોટ :  જેતપુરમાં રસ્તાની કામગીરી લોકોએ અટકાવી, જુઓ શું છે કારણ

રાજકોટ જિલ્લાના જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલાં રસ્તાના રીપેરીંગની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ આ રસ્તા પર ત્રણથી ચાર વખત ડામર પાથરવામાં આવ્યો છે અને રસ્તો ઉંચો થઇ જતાં ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા ઉભી થાય છે.

ચોમાસામાં ધોવાઇ ગયેલાં રસ્તાઓને રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટના જેતપુર ના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલો રસ્તો ધોવાઇ ગયો હોવાથી ત્યાં ડામર પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પણ સ્થાનિક વેપારીઓ અને રહીશોએ એકત્ર થઇ વિરોધ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડ પર વારંવાર ડામર જ પાથરવામાં આવે છે જેના કારણે રસ્તાનું લેવલ ઉંચું થઇ જતાં ચોમાસામાં પાણીનો નિકાલ અટકી જશે અને લોકોના ઘરોમાં તથા દુકાનોમાં પાણીનો ભરાવો થઇ જશે. બીજી તરફ કામગીરીમાં પણ વેઠ ઉતારવામાં આવી રહી છે.

હાલ તો કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલાંં રસ્તાના રીપેરીંગની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ રોડ પર ગામડાઓના લોકોની વધારે અવરજવર હોવાથી તેને રીપેર કરવામાં આવી રહયો હતો પણ સ્થાનિક રહીશો ડામરના બદલે આરસીસીના રસ્તાની માંગણી કરી રહયાં છે. 

Latest Stories