/connect-gujarat/media/media_files/2025/12/03/lalo-gujarati-movie-2025-12-03-12-56-44.jpg)
રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે'ના પ્રમોશન દરમિયાન ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે મંજૂરી વિના ભીડ એકઠી કરવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે.
ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર પર પટકાઇ હતી. જોકે, ત્યાં હાજર બે વ્યક્તિઓએ તાત્કાલિક બાળકીને બચાવી લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફિલ્મના કલાકારોએ કાર્યક્રમ ટૂંકાવીને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.
સોશિયલ મીડિયામાં ભીડના વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણીએ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી વિના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજ્યો હતો. આથી, જાહેરનામા ભંગ બદલ મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.