Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : સાઇકલ સવાર ઉધોગપતિને કારચાલકે અડફેટે લેતા મોત, CCTV વિડિયો આવ્યા સામે

BRTS ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા મોત, અકસ્માતમાં સાઇકલ સવાર ઉદ્યોગપતિનું ઘટના સ્થળે જ મોત

X

રાજકોટ શહેરમાં ગત 8મી ઓગષ્ટના રોજ વહેલી સવારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવારને અડફેટે લીધો હતો. જેના કારણે સાઇકલ સવાર ઉદ્યોગપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક કાર રેઢી મૂકીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો, ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ પર આવેલા બીઆરટીએસ ટ્રેક પર કારચાલકે સાઇકલ સવાર ઉદ્યોગપતિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, કેવીરીતે બીઆરટીએસ ટ્રેકમાં એક તરફથી સાઇકલ સવાર વિજય સોરઠીયા જઈ રહ્યા છે, તો બીજી તરફથી પુરપાટ ઝડપે ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ ગાડી આવી રહી છે. અકસ્માતની ઘટનામાં સાઇકલ સવાર ઉદ્યોગપતિ વિજય સોરઠીયા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મિશન સ્માર્ટ સીટી અંતર્ગત ઇન્ડીયા સાયકલ ફોર ચેલેન્જ હેઠળના ટોપ ઇલેવન શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે યાદીમાં રાજકોટ શહેરનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં સાઇકલ ક્લબ એક્ટિવ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત હાલમાં રાજકોટ શહેરના રાજમાર્ગો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના 8થી 10 હજાર સાઇકલ સવાર નિયમિત પણે સાઇકલ ચલાવે છે. તો બીજી તરફ સાઇકલ ચલાવનાર વ્યક્તિઓને અકસ્માત નડી રહ્યા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાજકોટના રાજ કુલિંગ સિસ્ટમના માલિક તેમજ અગ્રણી ઉદ્યોગપતિ એવા વિજય સોરઠીયાને કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજતા હાલ સોશિયલ મીડિયામાં સાયકલિસ્ટો બેદરકારી ભર્યા રીતે વાહન ચલાવનારા વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Next Story