![રાજકોટ: વ્યવસાયકારે ટ્રકના નંબર પરથી ઘરનું નામ રાખ્યુ, જુઓ વાહન સાથેનો અનોખો સંબંધ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/9c5193ea2a48929ec781dc42a71abab71a16602f4a193fd2d2ad3878fa0ce295.jpg)
રાજકોટના વ્યવસાયકારનો તેમની જૂની ટ્રક સાથેનો અનન્ય પ્રેમ જોવા મળ્યો છે. સરકારની નવી પોલિસી મુજબ તેમણે તેમની ટ્રક સ્ક્રેપમાં આપી હતી પરંતુ યાદગીરી માટે તેમણે પોતાના ઘરનું નામ ટ્રકના નંબર પરથી રાખી દીધુ છે.
એક વર્ષ પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં 15 વર્ષથી વધુ જૂનાં વાહનોને સ્ક્રેપ માટે મોકલવાનાં હતા. સ્ક્રેપ પોલિસી અંતર્ગત રાજકોટના રાજેશભાઈ મૈયડે પોતાની 35 વર્ષ જૂની ટ્રક RTOમાં જમા કરાવી હતી, પરંતુ ટ્રક સાથે તેમની માયા જોડાયેલી હતી, એટલે ટ્રકને જમા કરાવ્યા બાદ જે રીતે લોકો પોતાનાં સંતાનોના નામથી ઘરનું નામ રાખે છે એ જ રીતે રાજેશભાઈએ પોતાની ટ્રકના નંબર પરથી પોતાના ઘરનું નામ GQY 4618 રાખી દીધું. આ અંગે રાજેશભાઈ મૈયડે મીડિયાને જણાવ્યું હતું કે મારી પાસે 1988નું મોડલ હતું. આ ગાડી 35 વર્ષ જૂની થઈ ગઈ હતી, એટલે મેં વિચાર્યુ કે સરકાર નિયમ પ્રમાણે જે 15 પછી જમા કરવી અને સરકારે પણ નિયમ બનાવ્યો છે કે 15 વર્ષ પછી ગાડી જમા કરાવે તો તેને GST જે લાગુ પડે એમાંથી અઢી લાખ રૂપિયા તમને મળે.
મારા ઘરનું નામ વૃંદાવન હતું, પણ હવે મેં એનું નામ GQY 4618, કારણ કે ઘણા ભગવાનના નામ રાખે, ઘણા છોકરાના નામ રાખે, પણ મેં મકાનની ઉપર GQY 4618 છે, જેનો મને વિચાર આવ્યો હતો. મેં આ ગાડી થકી 35 વર્ષ વ્યવસાય કર્યો છે, જેનાથી મેં ઘણી પ્રગતિ પણ કરી છે. આ ગાડીએ ક્યારેય અમને હેરાન કર્યા નથી. ગાડી નથી રહી અમારી પાસે એટલે અમને દુ:ખ છે, પણ અમે સરકારના નિયમને ફોલો કરીને આ બધું કર્યું છે એવું તેમણે જણાવ્યું હતું.