રાજકોટ : 28 લોકોને ભરખી જનાર TRP ગેમઝોનની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી-ગૃહમંત્રી હોસ્પિટલ પહોંચ્યા…

TRP ગેમઝોનમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે,

New Update
રાજકોટ : 28 લોકોને ભરખી જનાર TRP ગેમઝોનની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી-ગૃહમંત્રી હોસ્પિટલ પહોંચ્યા…

રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ગતરોજ લાગેલી આગમાં એક નહીં પણ 28 લોકોની જિંદગી બળીને ખાખ થઈ હતી. અજુગતી વાત તો એ છે કે, કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો. હાલ તે જગ્યાએ DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. TRP ગેમ ઝોનમાં આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યૂની છે. બુલડોઝરથી રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી ન હતી, તેથી આખો શેડ જ ધ્વસ્ત કરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવાયો હતો.

આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 5 બુલડોઝર દોડાવ્યા હતા, અને ધીમે-ધીમે શેડ તોડી કામગીરી સવાર સુધી ચાલી હતી. જોકે, TRP ગેમઝોનમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે, ત્યારે ઘટનાસ્થળે સૌપ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને એક મિનિટમાં આગ છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. ગેમ ઝોનમાં રબર-રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. અંદાજે 2500 લિટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરનો જથ્થો, જ્યારે લોખંડ અને પતરાંના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટના પાર્ટિશનના કારણે આગ વધુ પ્રસરી હતી. માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી. જેમાં બાળકો સહિતના લોકો અંદર હતા, અને તેઓને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળેથી બચાવો-બચાવોની બૂમો પાડી હતી. જોકે, ભીષણ આગમાં 28 લોકોની જિંદગી હોમાઈ ગઈ છે. વાત આટલેથી જ ન અટકાતા, મૃત્યુઆંક હજી વધી શકે તેવી પણ ચર્ચાઓ કાને સંભળાઈ રહી છે.

TRP ગેમઝોનમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જે દર્દીઓ દાઝી ગયા છે, તેમની સાથે વાતચીત કરી ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Latest Stories