રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનની શરૂઆત,દાયકાઓ જૂના ઘર છીનવાતા લોકો ચોધાર આંસુએ રડ્યા

રાજકોટના જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ શરૂઆત કરી દીધી...।

New Update
Jungleshwar Demolition

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ શરૂઆત કરી દીધી છે.

સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે. જોકે જંગલેશ્વરના વિસ્તારની મુલાકાત લેતા અફરાતફરીનો માહોલ દેખાયો હતો. અનેક લોકો દાયકાઓ જૂના પોતાના આશ્રયસ્થાનો ગુમાવતા ચોધાર આંસુએ રડી રહ્યા હતાતો કેટલાક લોકોને એ ચિંતા હતી કે હવે તેઓ ક્યાં જશે? ક્યાં રહેશે?

ઉલ્લેખનીય છે કે 1498 જેટલા ગેરકાયદે મકાન-દુકાન અને અન્ય બાંધકામો તોડી પાડવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.1130થી વધુ મનપા કર્મચારીઓ 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે.આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે.2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

 આ વિસ્તારની શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે. ચોમાસામાં આજી નદીના પૂરના કારણે દર વર્ષે અહીં જાનમાલનું જોખમ રહે છે. આ વિસ્તાર કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે.

Latest Stories