શહેરા : મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન ખનન માફિયામાં ટ્રેક્ટરો અને ટ્રકો ઝડપાઈ.

New Update
શહેરા : મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન ખનન માફિયામાં ટ્રેક્ટરો અને ટ્રકો ઝડપાઈ.

શહેરા તાલુકાના ડેમલી નદીમાં ચાલતું રેતી ખનન પર મામલતદાર અને ખનીજ વિભાગના દરોડા

ડેમલી કુણ નદીમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રની રેડ

નદી પરથી ચાર ટ્રેક્ટર પકડી પાડ્યા પાંચ થી વધુ ભાગી જવામાં સફળ

પકડાયેલા ચાર ટ્રેક્ટરને મામલતદાર કચેરી ખાતે લાવીને હાથ ધરી કાર્યવાહી

રેતી અને ચાર ટ્રેક્ટર મળી અંદાજીત ૨૦ લાખ નો મુદામાલ કર્યો જપ્ત

શહેરા તાલુકામાં ખનીજ માફિયાઓના ગેરકાયદે વ્યાપાર સામે શહેરાના મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ગત રાત્રે ઓપરેશન ખનન માફિયા અંગે હાથ ધરવામાં આવેલા સપાટામાં ચાર ટ્રેકટરો રેતી ભરેલા અને ત્રણ ટ્રકો લાકડાની ઝડપાઈ ગઈ હતી.આ સાથે જ રાત્રે સરકારી તંત્ર ઉંઘતું હોવાની આ માફિયાઓની મનોદશા ઉંધી પડતા ગેરકાયદે વ્યાપારમાં સામેલ ચેહરાઓ રાત્રે દોડતા થયા હતા.

શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ગેરકાયદે રેતી ખનન અને સફેદ પથ્થરોની મોટા પાયે ગેરકાયદે હેરાફેરીનો વ્યાપાર થઈ રહયો હોવાના અંદેશાઓ સાથે પોલીસ તંત્ર અને ખાણ ખનીજ ખાતાને સાથે રાખીને ગત મધ્યરાત્રીએ ઓપરેશન ખનન માફિયાઓને ઝડપી પાડવા માટે મોતાલ ગામે દરોડાઓ પાડયા હતા ત્યારે ૧૫ જેટલા ટ્રેક્ટરો ગેરકાયદે રેતીનો જથ્થો ભરીને જઈ રહયા હતા. એમાંથી ચાર ટ્રેક્ટરો તંત્રના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે અન્ય ટ્રેક્ટરો રાત્રીના અંધકારનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહયા હતા.મધ્ય રાત્રીના આ સર્ચ ઓપરેશન દરમિયાન અંદાઝે સાત જેટલી ટ્રકો ગેરકાયદે લાકડાનો જથ્થો ભરીને સડસડાટ દોડી રહી હતી તે પૈકી ત્રણ ટ્રકો મામલતદાર મેહુલ ભરવાડના સંકજામાં આવી જતા લાકડા ચોરો માં પણ ફડફડાટ પ્રસરી જવા પામ્યો હતો.

શહેરા તાલુકામાં રેતી ખનનની સાથોસાથ સફેદ પથ્થરો અને ગ્રેનાઈટ ના કાળા કારોબારનો વ્યાપાર પૂરબહારમાં ખીલેલો છે.રાજકીય આશ્રયસ્થાનોના પ્રભાવમાં ચાલી રહેલા આ ગેરકાયદે વ્યાપાર સામે ખાણ ખનીજ ખાતા દ્વારા રેતી,પથ્થરો ભરેલી ગાડીઓને ઝડપીને દંડ કર્યો હોવાનો સંતોષ માને છે. પરંતુ ખનન માફિયાઓના ચહેરાઓ અને વ્યાપાર તો હંમેશા સલામત રહે છે આ કાર્યવાહીઓથી ખાણ ખનીજ ખાતું હંમેશા દૂર રહે છે સાથોસાથ અમૂલ્ય એવા ગ્રેનાઈટના પથ્થરોના ગેરકાયદે ચાલી રહેલા ખોદકામના સ્થળોને તો ખાણ ખનીજ ખાતું દૂરથી સલામ કરીને રવાના થઈ જતું હોય છે. હવે જ્યારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ઓપરેશન ખનન માફિયા હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ખનન માફિયાના મુખ્ય સૂત્રધાર ચહેરાઓ અને સ્થળો પ્રકાશમાં આવે તેમ પ્રજાજનો ઈચ્છી રહયા છે.

Latest Stories