ભરતવર્ષની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનારા શહીદ વીર સપૂતોના બલિદાનને પ્રતિવર્ષ દેશ યાદ કરે છે. આઝાદી માટે હિંસા અને અહિંસા બંને માર્ગો સ્વતંત્રતા સેનાનીઓ અપનાવ્યા હતા. જ્યાં મહાત્મા ગાંધીજી અહિંસાના માર્ગ પર આઝાદીની લડત લડી રહ્યા હતા, ત્યાં નવયુવાનોનો જોશ આઝાદી માટે હિંસા કરવાથી પણ પીછેહઠ નથી કરી. વાત જ્યારે દેશ અને દેશની આઝાદીની લડતની આવે ત્યારે વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય યુવાનોએ હંસતા મોઢે ફાંસીના માચડાને ચૂમી દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા... અખંડ ભારતમાં પોતાની જુવાનીમાં જ ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરાક્રમને જાણવું જોઈએ...
90 વર્ષ પછી પણ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ દરેકના મનમાં જીવંત છે. જ્યાં સુધી ભારત અને બ્રિટનનું અસ્તિત્વ છે ત્યાં સુધી ભગતસિંહનું નામ ક્યારેય ભૂલી નહીં શકાય. આ એટલા માટે કારણ કે તેમણે ભારતની આઝાદી માટે હંસતા હંસતા પોતાની જાન આપી દીધી અને બ્રિટનને ભગતસિંહ એટલા માટે યાદ રહેશે કારણ કે તેઓ તેમનાથી એટલા ડરી ગયા હતા કે નિયત સમય પહેલાં જ તેને ફાંસી આપી દીધી હતી.
ભારત હોય કે પાકિસ્તાન, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ બંને દેશોમાં શહીદનો દરજ્જો પ્રાપ્ત છે. તેનું સબૂત છે કે, લાહોરના શહાદત સ્થળ શાદમાન ચોકને હવે શહીદ ભગતસિંહ ચોક તરીકે ઓળખવામાં આવે છે. જો કે, આ માટે લાંબી કાનૂની લડત લડવામાં આવી હતી. આ કાનૂની લડત શહિદસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશી દ્વારા લડવામાં આવી હતી. તેમની ઈચ્છા એ પણ છે કે પાકિસ્તાન સરકાર આ ત્રણેયને નિશાન-એ-હૈદરનું બિરુદ આપે.
ભગતસિંહ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 માં થયો હતો જ્યારે તે 23 માર્ચ 1931 ના રોજ શહીદ થયા હતા. ચંદ્રશેખર આઝાદ અને પાર્ટીના અન્ય સભ્યો સાથે મળીને, તેમણે ભારતની આઝાદી માટે અભૂતપૂર્વ હિંમત સાથે શકિતશાળી બ્રિટીશ સરકારનો સામનો કર્યો હતો. લાહોરમાં બર્ની સેન્ડર્સની હત્યા અને ત્યારબાદ દિલ્હીની સેન્ટ્રલ પાર્લામેન્ટ (સેન્ટ્રલ એસેમ્બલી) માં બોમ્બ ધડાકાએ બ્રિટીશ સામ્રાજ્ય સામે ખુલ્લા બળવાને જન્મ આપ્યો. તેઓએ એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને ભાગવાની ના પાડી હતી. પરિણામે, બ્રિટીશ સરકારે 23 માર્ચ 1931 ના રોજ તેમના બે અન્ય સાથીઓ, રાજગુરુ અને સુખદેવ સાથે તેમને ફાંસી આપી હતી.
મહાત્મા ગાંધી સહિતના વરિષ્ઠ સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદીની લડાઈના અહિંસાથી લડી રહ્યા હતા. આ લડાઈમાં નવયુવાન ભગતસિંહ સહીતના વીર સપૂતો પણ હતા. પરંતુ એક એવો મોડ આવ્યો જ્યારે ભગતસિંહનો અહિંસા પરથી વિશ્વાસ કમજોર થવા લાગ્યો.. જુઓ આ રિપોર્ટ
વીર ભગતસિંહ એક ખેડૂત પરિવારમાંથી હતા. અમૃતસરમાં 13 એપ્રિલ 1919 ના રોજ થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડની ભગતસિંહની વિચારસરણી પર ઊંડી અસર પડી હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહ લગભગ બાર વર્ષના હતા. આ માહિતી મળતાં જ ભગતસિંહ શાળાથી 12 માઇલ ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા. આ ઉંમરે ભગતસિંહ તેમના કાકાઓના ક્રાંતિકારી પુસ્તકો વાંચતા હતા અને વિચારતા હતા કે શું તેમનો માર્ગ સાચો છે કે નહીં? ગાંધીજીનો અસહકાર આંદોલન શરૂ થયા પછી, તેમણે ગાંધીજીના અહિંસક માર્ગો અને ક્રાંતિકારીઓની હિંસક ચળવળમાંથી પોતાનો રસ્તો પસંદ કરવાનું શરૂ કર્યું.
ગાંધીજીના અસહકાર આંદોલન રદ થવાને કારણે તેમનામાં થોડો રોષ ઉત્પન્ન થયો હતો, પરંતુ આખા રાષ્ટ્રની જેમ તેઓ પણ મહાત્મા ગાંધીને માન આપતા. પરંતુ તેમણે ગાંધીજીના અહિંસક આંદોલનને બદલે દેશની આઝાદી માટે હિંસક ક્રાંતિનો માર્ગ અપનાવવો અયોગ્ય ન માન્યો. અને તેમણે સરઘસોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ઘણા ક્રાંતિકારી પક્ષોના સભ્ય પણ બન્યા. તેમના પક્ષના અગ્રણી ક્રાંતિકારીઓમાં ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ વગેરે પ્રમુખ હતા. 1922 માં ચૌરી ચૌરા હત્યાકાંડ બાદ, જ્યારે ગાંધીજીએ ખેડુતોને ટેકો ન આપ્યો ત્યારે ભગતસિંહ ખૂબ નિરાશ થયા. તે પછી તેમની હિંમત અહિંસાથી નબળી પડી અને તે નિષ્કર્ષ પર આવ્યા કે સશસ્ત્ર ક્રાંતિ એ આઝાદી મેળવવાનો એકમાત્ર રસ્તો છે. તે પછી તે ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં રચાયેલી ગદરદળનો ભાગ બન્યા. ભગતસિંહે રાજગુરુ સાથે મળીને બ્રિટિશ અધિકારી જેપી સેન્ડર્સની હત્યા કરી હતી, જે 14 ડિસેમ્બર 1926 ના રોજ લાહોરમાં સહાયક પોલીસ અધિક્ષક હતા. ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદે તેમને આ કાર્યમાં સંપૂર્ણ મદદ કરી હતી.
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એ દેશના બહાદુર માણસો હતા જેમણે અંગ્રેજો સાથે બાથ ભીડી હતી. સ્વતંત્રતા મેળવવાના જુનુનમાં અંગ્રેજોને ઊંઘમાંથી જગાડવા સેંટ્રલ એસેમ્બલીમાં બોમ્બ પણ ફેંક્યા હતા.
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ દેશના જાંબાઝ યુવાનો હતા જે બ્રિટિશરો સામે બે બે હાથ કરવાથી પણ પીછે હઠ કરતાં ન હતા. આ ત્રણેય ને સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટના 8 એપ્રિલ 1929 ના રોજ બની હતી, જ્યારે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બ્રિટિશ શાસનને ઊંઘમાંથી જાગૃત કરવા માટે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકી દીધા હતા. તેમનો હેતુ કોઈની હત્યા કરવાનો નહીં પરંતુ તેમને કહેવાનો હતો કે ભારત આઝાદ થશે અને બ્રિટિશરોને અહીંથી નીકળવું પડશે. તેઓ આના પરિણામથી સારી રીતે વાકેફ હતા. છતાં પણ તેઓએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો.
બોમ્બ ફેંક્યા પછી, તેઓએ આઝાદીનો નારા લગાવ્યો અને સ્વતંત્રતાની માંગણી કરતા એસેમ્બલીમાં પત્રિકાઓ વહેંચી. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણેયને દોષી ઠેરવીને મોતની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણયનો દરેક સ્તરે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે ક્યારેય તેનો વિરોધ કર્યો નહીં. તેમને આ વાતનો અફસોસ નહોતો કે થોડા સમય પછી તેમને ફાંસી આપવામાં આવશે, પરંતુ તે એ વાતને લઈને ખુશ હતા કે દેશમાં જે આઝાદીની ચિનગારી જાગી છે તેથી હવે અંગ્રેજ સરકાર હવે લાંબા સમય સુધી ટકી નહીં શકે, અને એક દિવસ ભારત આઝાદ હવામાં સાંસ લેશે. ફાંસી માટે 24 માર્ચ, 1931 નો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
પરંતુ બ્રિટિશરો ભગતસિંહથી એટલા ડરતા હતા કે આ ત્રણેયને 23 માર્ચ 1931 ના રોજ એટ્લે કે એક દિવસ પહેલા જ લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી દીધી હતી. આ ઘટના વિષે તેમના પરિવારજનો પણ અજાણ હતા. જે સમયે આ ત્રણેયને ફાંસી આપવામાં આવી રહી હતી, ત્યારે આખી જેલ આઝાદીના નારા સાથે ગુંજી રહી હતી. જેલરનો હાથ ધ્રૂજતો હતો. પરંતુ આ ત્રણેયના ચહેરા પર મોતનો ડર નહોતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોઈ અંતિમ ઇચ્છા હોય તો જણાવો, ત્યારે ભગતસિંહે ત્રણેયના હાથ ખોલવાની અને એકબીજાને ગળે લગાડવાની પરવાનગી માંગી હતું, જે પૂરી કરવામાં આવી હતી. ત્યાર બાદ જલ્લાદએ ધ્રુજતા હાથથી લિવર ખેંચ્યો. અને નક્કી સમય પહેલા જ ફાંસી આપી દેવાઈ. ફાંસી પછી પણ બ્રિટિશરો પોતાને ભગતસિંહના ડરથી મુક્ત કરી શક્યા નહીં. તેઓને ડર હતો કે આ પછી, જ્યારે લોકોને ખબર પડશે, ત્યારે ત્યાં હજારો લોકો એકઠા થઈ જશે, અને તેમને રોકવા તેમના માટે મુશ્કેલ થઈ જશે.
વીર બહાદુર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની શહીદી દિવસને શહીદ દિન તરીકે આજે પણ મનાવવામાં આવે છે. ભગતસિંહને શહીદ-એ-આઝમથી સંબોધવામાં આવે છે. આજે પણ દેશવાસીઓ શહીદીની આઝાદીના આ લડવૈયાથી પ્રેરણા લે છે અને દેશની આઝાદી માટેના પ્રાણોની આહુતિને નમન કરે છે.