ભરૂચમાં પાવન સલીલા માઁ નર્મદાના તટે ઝાડેશ્વર ખાતે આવેલ ઐતિહાસિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અધિક માસના પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સમગ્ર મંદિર પરિસર ‘ઓમ નમઃ શિવાય‘ અને ‘હર હર મહાદેવ‘ના શંખનાદ તથા જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.
અધિક માસના પવિત્ર પ્રારંભે મંદિર શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયું હતું. આ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા વિશેષ પૂજા-અર્ચના, રુદ્રાભિષેક અને રોજિંદી ધાર્મિક પારાયણ સહિતના વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર માસ દરમિયાન અહીં ભક્તિમય માહોલ જળવાઈ રહેશે.
આ પવિત્ર સ્થાને માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. રોજબરોજ ઉમટતા હજારો શ્રદ્ધાળુઓ પતિત પાવની માઁ નર્મદાના પવિત્ર સ્નાન અને દર્શન કરી, ત્યારબાદ નીલકંઠેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે. અધિક માસને પગલે મંદિર પરિસરમાં ભક્તિનો અનોખો મહેરામણ જોવા મળી રહ્યો છે.
