પંચમહાલ જિલ્લાના પાવાગઢમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. માચી જવાના માર્ગ પર આવેલા અટક દરવાજા નજીકના જંગલ વિસ્તારમાં 38 વર્ષીય પુરુષનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક વ્યક્તિએ જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતો મૃતદેહ જોઈ તાત્કાલિક પાવાગઢ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી શરૂઆતમાં તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જોકે મૃતદેહ પાસેથી મળેલા પર્સમાંથી આધાર કાર્ડ તેમજ હાથેથી લખાયેલી સુસાઇડ નોટ મળી આવતાં મૃતકની ઓળખ થઈ શકી હતી.
પોલીસ તપાસમાં મૃતક દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામનો 38 વર્ષીય રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. ભારે જહેમત બાદ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી હાલોલની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો.
