ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી થયેલા લેખિત કરાર હેઠળ સાથે રહે છે અને ત્યારબાદ લેખિત કરાર દ્વારા તેમની ગોઠવણનો અંત લાવે છે, ત્યારે લગ્નના ખોટા વચન પર પીડિતાનો દુષ્કર્મનો દાવો ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે પૂર્વ લિવ ઈન પાર્ટનર મહિલાની અપીલ ફગાવી દીધી હતી અને પીડિતાએ આરોપી પુરુષ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં આરોપી પુરુષને નિર્દોષ ઠરાવતાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો હતો.
ટૂંકમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, લિવ ઈન રિલેશનશિપમાં લાંબા સમય સુધી સાથે રહેતા પુખ્ત વયના બે વ્યક્તિઓના સંબંધો, તેમના વર્તન અને સંજોગોને ધ્યાનમાં લીધા વિના માત્ર લગ્ન કરવાની ના પાડવામાં આવી હોવાના કારણે માત્ર પુરુષ વિરુદ્ધ દુષ્કર્મની ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય નહીં. અલબત્ત, લગ્નનું વચન શરૂઆતથી જ ખોટા ઈરાદાથી આપવામાં આવ્યું હોય અને તેનો ઉપયોગ મહિલાની સંમતિ મેળવવા માટે થયો હોય, તો તે અલગ કાનૂની પરિસ્થિતિ હોઈ શકે.
ગુજરાત હાઈકોર્ટે બહુ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, ‘લાંબા સમયથી ચાલતા લિવ-ઈન સંબંધ જેવા કિસ્સામાં, એવા પ્રસંગો ઊભા થઈ શકે છે જ્યાં તે સંબંધમાં રહેલા પક્ષકારો લગ્નની મહોર દ્વારા તેને ઔપચારિક બનાવવાની તેમની ઈચ્છા અથવા મહેચ્છા વ્યક્ત કરે છે, પરંતુ આ ઈચ્છાની અભિવ્યક્તિ પોતે જ આ સંબંધને એક પ્રકારનો સંબંધ માનતી નથી.
આજકાલ, એ સામાન્ય છે કે સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર છે અને પોતાની શરતો પર પોતાનું જીવન બનાવવા માટે સક્ષમ નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે, જેમાં નાણાકીય સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે જેના કારણે આવા લિવ-ઈન સંબંધોનો ફેલાવો થયો છે. અને ફક્ત એટલા માટે કે પક્ષકારો વચ્ચે કોઈ પણ કારણોસર મતભેદ અને વિવાદ ઉદ્ભવે છે, તેટલા કારણ માત્રથી તેને ફોજદારી કાર્યવાહીનો રંગ આપી શકાય નહીં.
