સરથાણામાં દિવાળી સમયે તસ્કરોનો આતંક

શટર બેન્ડ કરી મહિલા ચોર ગેંગે દુકાનને બનાવી નિશાન 

રોકડ અને ઇમિટેશન જ્વેલરીની કરી ચોરી

ચોરીને અંજામ આપી મહિલાઓની ધાબળા ગેંગ ફરાર

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ તપાસ તેજ

સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે ચહેરા છુપાવીને આવેલા મહિલાઓની ધાબળા ગેંગે એક દુકાનને નિશાન બનાવી હતી,અને દુકાનનું શટર વચ્ચેથી બેન્ડ કરીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો.

સુરત શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે,ત્યારે તસ્કરો બેફામ બન્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં ત્રાટકેલી એક મહિલા ચોર ગેંગે પોલીસ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે. વહેલી સવારે મોઢા અને ચહેરા છુપાવીને આવેલા મહિલાઓની આ ‘ધાબળા ગેંગે’ એક દુકાનને નિશાન બનાવી હતી,અને દુકાનનું શટર વચ્ચેથી બેન્ડ કરીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો.અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

મહિલા ચોરોએ ખૂબ જ ચાલાકીપૂર્વક દુકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ તેમજ ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂપિયા 1.09 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. દિવાળીના તહેવારો ટાંકણે જ વહેલી સવારે સુરક્ષા વ્યવસ્થાને ભેદીને મહિલાઓ દ્વારા આ પ્રકારે દુકાનને નિશાન બનાવવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે વહેલી સવારે પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગના દાવાઓ સામે આ ઘટનાએ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. હાલ તો ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસે અજાણ્યા મહિલા ચોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.