ભરૂચના વાલિયા નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદ

કનેક્ટ ગુજરાત પહોંચ્યું ગ્રાઉન્ડ ઝીરો પર

ગામોમાં ભારે તારાજીના દ્રશ્યો

ઘરવખરીને વ્યાપક નુકશાન, સરકારી સહાયની રાહ

ભરૂચના અંતરિયાળ એવા નેત્રંગ અને વાલિયા પંથકમાં વરસેલા અનરાધાર વરરસાદના પગલે ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.મકાનોમાં ઘરવખરી પલળી જતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે

ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વાલિયા-નેત્રંગ પંથકમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે. માત્ર એક જ દિવસમાં 13 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે અને અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે.વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ભારે વરસાદના કારણે 30 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે. અનેક પરિવારોના આશિયાના વરસાદના માર સામે ટકી શક્યા નથી.

ગામમાં જ્યાં નજર કરો ત્યાં વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.મકાનની દીવાલ ધરાશયી થતા અંદર કાદવ અને કીચડના જ દ્રશ્યો નજરે પડી રહ્યા છે.મકાનમાં રહેલ અનાજ સહિત પલંગ,ગાદલા સહિતની વસ્તુઓ પણ પલળી જતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે

બીજી તરફ સોડગામમાંથી પસાર થયેલા વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક કાચા મકાનોની ઘરવખરી તણાઈ ગઈ છે. અસરગ્રસ્ત પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું છે. નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.