ભરૂચમાં વરસાદે વિરામ લેતા જ તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે.શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ પર ખાડાની હારમાળા સર્જાય હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભરૂચમાં સતત બે દિવસ સુધી વરસેલા ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે વરસાદી પાણી ઓસરતા શહેરના માર્ગોની પોલ ખુલી ગઈ છે.શહેરના અતિ વ્યસ્ત એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગની વચ્ચે જ ભુવો પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ ગેઇલ કોલોની રોડ પર પણ પાણી ઓસરતા રસ્તા પર ખાડાઓની હારમાળા સામે આવી છે. માર્ગની બાજુના કાંઠાનો અંદાજ ન આવતાં અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદ બાદ શહેરના અનેક માર્ગોની દયનીય હાલત સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો તંત્ર પાસે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની તેમજ માર્ગોને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે.