/connect-gujarat/media/post_banners/f3fe5dd608087a83a6ad7b2c4754b584908b2e1544706508f577186bc2865b09.webp)
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. રવિવારની સાંજે કેપ્ટનની ઈજા અંગે અપડેટ આપતાં BCCIએ કહ્યું કે તે હાલમાં અંગૂઠાની ઈજાની સારવાર હેઠળ છે. તેના સ્થાને KLરાહુલ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં સુકાનીપદ સંભાળશે.
બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ પહેલા BCCIએ એક મોટું અપડેટ આપ્યું છે. સુકાની રોહિતના ઈજા બાદ તેના ટેસ્ટ શ્રેણીમાં રમવા પર શંકા હતી. કોચ રાહુલ દ્રવિડે પણ બીજી વનડે પછી રોહિતની ઈજા વિશે વાત કરી અને કહ્યું કે તે ભારત પરત ફરી રહ્યો છે. BCCIએ ટેસ્ટમાં તેના સ્થાને અભિમન્યુ ઇશ્વરનને ટીમમાં સામેલ કર્યો છે.
બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિત ઈજાગ્રસ્ત થયો હતો. બોલને પકડતી વખતે બોલ તેના અંગૂઠા પર વાગ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઈજાગ્રસ્ત થયા બાદ પણ તે બેટિંગ કરવા આવ્યો હતો અને ટીમ માટે અડધી સદીની ઇનિંગ પણ રમી હતી.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. શમીને ખભામાં તકલીફ છે જ્યારે જાડેજાના ઘૂંટણની ઈજા હજુ ઠીક થઈ નથી. પસંદગીકારોએ આ બે ખેલાડીઓની જગ્યાએ નવદીપ સૈની અને સૌરવ કુમારને ટીમમાં જગ્યા આપી છે. આ સાથે જ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.