ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટમાં વરસાદ વિલન બન્યો. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પાંચમા દિવસેની રમત વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. આવી સ્થિતિમાં ભારતે લગભગ જીતેલી ટેસ્ટ ડ્રો પર સમાપ્ત કરવી પડી હતી. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી છે. ભારતે ડોમિનિકામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને 141 રને જીતી હતી. હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઈએ બાર્બાડોસમાં રમાશે.
ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રવિવારની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર બે વિકેટે 76 રન હતો. તેને પાંચમા અને છેલ્લા દિવસે 289 રનની જરૂર હતી. આ સાથે જ ભારતને જીતવા માટે આઠ વિકેટની જરૂર હતી. આવી સ્થિતિમાં ભારતને 1-0થી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 438 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ દાવ 255 રનમાં સમેટાઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને 183 રનની લીડ મળી હતી. ભારતે બે વિકેટે 181 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને કુલ 364 રનની લીડ મેળવી હતી. આ રીતે વેસ્ટ ઈન્ડિઝને 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો.