વડોદરા નજીક આવેલા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા વચ્ચે ડે નાઇટ મેચ રમાશે. આ પૂર્વે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમોએ ભરપૂર પ્રેક્ટિસ કરી હતી.આજથી મેચને લઈને કોટંબી સ્ટેડિયમ અને સ્ટેડિયમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નેટ પ્રેક્ટિસ બાદ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝએ જણાવ્યું હતુ કે, ગુજરાત અને વડોદરામાં અમારી આ પહેલી મેચ છે. કોટંબી નવુ ગ્રાઉન્ડ છે. અહી ખૂબ જ સારી ફેસિલીટી છે. ભારતીય ટીમ સામેનો મુકાબલો ટફ રહ્યો છે. છેલ્લી ટી-20 સિરીઝમાં અમે 2-1થી પરાજીત થયા પરંતુ, વન ડે સિરીઝમાં અમે ભારતીય ટીમ સામે બરાબરનો મુકાબલો કરીશું એવી અમે તૈયારી કરી છે. ટી-20ના પરાજય બાદ અમે ક્રિકેટના મહત્વના પાસાઓનો યોગ્ય રીતે વિશ્લેષણ કર્યું છે. કયા પાસા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે? અને કંઇ-કંઇ બાબતોમાં હજી સુધારાની જરૂર છે, તે સબંધમાં ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા થઇ છે. જેથી અમને આશા છે કે, વન-ડે સિરીઝમાં અમે ભારતીય ટીમ સામે સારો દેખાવો કરીશું.