મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગ્રુપ-2ની સુપર-12ની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉચરેલી ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રેયાન બર્લે 22 બોલમાં 35 રન કર્યા હતા. તો સિકંદર રઝાએ 24 બોલમાં 34 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. તો ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી. અગાઉ ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા.ટીમ તરફથી સૌથી વધુ સૂર્યાએ 25 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તેણે 244ની સ્ટ્રાઈક રેટથી 6 ચોગ્ગા અને 4 છગ્ગા પણ માર્યા હતા.
તો કેએલ રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે 2 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને હરાવીને ગ્રુપ-2માં ટોચનું સ્થાન મેળવી લીધુ છે. આ સાથે જ હવે ટીમે ગુરુવારે, એટલે કે 10 તારીખે ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મેચ રમવાની છે. આ મેચ એડિલેડમાં રમાશે. બન્ને સેમિફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.