હાર્દિકની યુવા પલટને કપાવ્યું નાક, ટીમ ઈન્ડિયા 7 વર્ષ પછી વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ટી20 સિરીઝ..!

ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું.

New Update
હાર્દિકની યુવા પલટને કપાવ્યું નાક, ટીમ ઈન્ડિયા 7 વર્ષ પછી વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ટી20 સિરીઝ..!

વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ T20 શ્રેણી પણ 3-2થી કબજે કરી લીધી છે. ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બે T20 જીતી હતી.

આ પછી ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને ત્રીજી અને ચોથી ટી20 જીતી લીધી. જો કે, પાંચમી T20 હારવાની સાથે ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી હતી. નિકોલસ પૂરન અને બ્રાન્ડન કિંગે વેસ્ટ ઈન્ડિઝ માટે 107 રનની ભાગીદારી કરીને ભારતને મેચ અને શ્રેણી જીતવાથી દૂર રાખ્યું હતું. બ્રાન્ડોન કિંગ 55 બોલમાં 85 રન બનાવીને અણનમ રહ્યો હતો. જોકે, પાંચમી ટી-20માં ચાર ઓવરમાં 31 રન આપીને ચાર વિકેટ લેનાર રોમારિયો શેફર્ડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, શ્રેણીમાં 176 રન બનાવનાર નિકોલસ પૂરનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝની ટીમે સાત વર્ષ બાદ ભારત સામે દ્વિપક્ષીય T20 શ્રેણી જીતી છે. છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝે 2017માં ઘરઆંગણે ભારત સામે T20I શ્રેણી 1-0થી જીતી હતી. ત્યારપછી ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ T20 શ્રેણી જીતી છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા એક એવી ટીમ સામે હારી ગઈ છે જે 2022ના T20 વર્લ્ડ કપમાં સુપર-12 રાઉન્ડ માટે પણ ક્વોલિફાઈ નથી કરી શકી. 2024માં T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ-યુએસએ સહ-યજમાનમાં રમાશે. આવી સ્થિતિમાં આ શ્રેણીને તૈયારી તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ નિરાશ કર્યા છે.

Latest Stories