અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમવાર મહિલા આંતરરાષ્ટ્રીય વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ વચ્ચે વન-ડે મેચની આ સિરીઝમાં પ્રથમ મેચ 24 ઓક્ટોબર, બીજી મેચ 27 ઓક્ટોબર અને ત્રીજી મેચ 29 ઓક્ટોબરના રોજ રમાશે. મહિલા ક્રિકેટ મેચને પ્રમોટ કરવા માટે પહેલીવાર લોકો મેચને ફ્રીમાં જોઈ શકે એવું આયોજન કરાયું છે.
જી.સી.એ.ના સેક્રેટરીઅનિલ પટેલે કહ્યું, લગભગ અમારી પાસે અંદાજે 40થી 45 હજારની ડિમાન્ડ આવી હતી, જેની સામે અમે અત્યારસુધીમાં 30 હજારથી વધુ ટિકિટનું ડિસ્ટ્રિબ્યુશન કરેલું છે. જ્યારે અન્ય 10થી 15 હજાર ટિકિટનું આજે અથવા કાલ સુધીમાં ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે. અમે અન્ય જિલ્લાઓની સ્કૂલોનો સંપર્ક નથી કરી શક્યા, પણ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનો છે, જે GCA સાથે સંકળાયેલાં છે, તેમને અમે જાણ કરી છે, એટલે તેમની પણ ડિમાન્ડ પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે. અમારા અંદાજ પ્રમાણે, મહિલા ક્રિકેટની ત્રણ વન-ડેનું આયોજન છે, એમાં દરેક મેચમાં અંદાજે 35થી 40 હજાર જેવું ક્રાઉડ રહેશે એવો અંદાજો છે. વુમન્સ ક્રિકેટમાં સંખ્યા વધુ રહેશે એવો પણ અંદાજો છે.