દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી ત્રણ દેશોની મહિલા ત્રિ-રાષ્ટ્રીય T20 શ્રેણીમાં ભારતે સતત બીજી જીત મેળવી છે. ઈસ્ટ લંડનમાં રમાયેલી મેચમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 56 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 27 રને જીત મેળવી હતી. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની સતત બીજી હાર છે. છેલ્લી મેચમાં તેને દક્ષિણ આફ્રિકાએ 44 રને પરાજય આપ્યો હતો. પોઈન્ટ ટેબલમાં ભારત (આઠ પોઈન્ટ) પ્રથમ, દક્ષિણ આફ્રિકા (ચાર પોઈન્ટ) બીજા અને વેસ્ટ ઈન્ડીઝ (શૂન્ય) ત્રીજા સ્થાને છે.
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં બે વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં ચાર વિકેટે 111 રન જ બનાવી શકી હતી. ભારતની ઓપનર સ્મૃતિ મંધાના અને યસ્તિકા ભાટિયાએ પ્રથમ વિકેટ માટે 5.5 ઓવરમાં 33 રનની ભાગીદારી નોંધાવી હતી.
મંધાનાએ ટી20માં તેની 20મી અડધી સદી ફટકારી હતી. આ સાથે જ હરમનપ્રીત કૌરે છેલ્લી ઓવરમાં પોતાની કારકિર્દીની નવમી અડધી સદી પૂરી કરી હતી. હરમનપ્રીત અને સ્મૃતિએ ત્રીજી વિકેટ માટે 70 બોલમાં 115 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. છેલ્લી 10 ઓવરમાં બંનેની 107 રનની ભાગીદારી થઈ હતી. સ્મૃતિ મંધાના 51 બોલમાં 74 રન બનાવીને અણનમ રહી હતી. તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય તેણે સિક્સ પણ ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 145.10 હતો. હરમનપ્રીતે 35 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતનો સ્ટ્રાઈક રેટ 160 હતો.