રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954 નવા કેસ નોંધાયા હતા જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966 એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908 લોકો સ્ટેબલ છે.