કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં છે ત્યારે કેટલાક સદભાગીઓ જીવ બચાવવામાં સફળ પણ રહયાં છે. સુરતમાં એક નવજાત શિશુનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જયાં 3 દિવસ વેન્ટીલેટર અને 19 દિવસ આઇસીયુમાં રહયાં બાદ નવજાતને નવજીવન પ્રાપ્ત થયું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ કોરોના સંક્રમિત માતાનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા બાળકને 3 દિવસ વેન્ટિલેટર અને 19 દિવસ આઈસીયુમાં રાખી બાળકની સારવાર કરી હતી. ડોક્ટરોની 19 દિવસની મહેનત બાદ નવજાત બાળકને સાજા કરવામાં સફળતા મળી છે. માંગરોળની પ્રસુતાને શ્વાસમાં તકલીફ ઉભી થતાં તેને તારીખ 6 મેના રોજ નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાં ગર્ભવતી મહિલા અને બાળકને બચાવવા માટે સીઝેરીયન ઓપરેશન કરવામાં આવ્યું હતું પણ નવજાત બાળકને જન્મ આપી જનેતાએ દુનિયાને અલવિદા કરી દીધી હતી.
નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડો સુજીત ચૌધરીએ જણાવ્યું હતું કે, નવજાત બાળકની ડીલીવરી અધૂરા મહિને થઈ હતી જન્મેલા નવજાત બાળક કુદરતી રીતે જેવી રીતે શ્વાસ લેવાનો હોય તેવી રીતે લેવી શકતો ન હતો. ડોક્ટરોની ટીમ દ્વારા કુત્રિમ શ્વાસ આપવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે આઈસીયુમાં કાચની પેટીમાં લઈ આવવામાં આવ્યો હતો. બાળકને 3 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું.
બાળકની માતા કોરોના પોઝિટિવ હોવાથી બાળકનું પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બાળકોનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો. બાળક અધૂરા મહિનામાં જન્મ લેતા ફેફસા નબળા હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાળકને સિવિલ હોસ્પિટલ હ્યુમન મિલ્ક બેંક દ્વારા બાળકને દુધ પૂરું પાડવામાં આવતું હતું. 19 દિવસની સઘન સારવાર બાદ બાળક સાજુ થઇ જતાં તેને રજા આપવામાં આવી છે.