માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
મોબાઇલ ફોનની લત બની જીવલેણ
ધોરણ-7ના વિદ્યાર્થીનો આપઘાત
માતાપિતાએ મોબાઇલ મુકાવતા ભર્યું અંતિમ પગલું
ચોક બજાર પોલીસે શરૂ કરી તપાસ
સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મૂળ ઓડિશાના એક શ્રમજીવી પરિવારના 13 વર્ષીય માસુમ દીકરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. માત્ર ‘મોબાઈલ મુકીને હોમવર્ક કરવા’ની વાલીઓની સામાન્ય સલાહ માસૂમ માટે જીવલેણ સાબિત થઈ છે.
સુરત પાલિકાની શાળા નંબર 331માં ધોરણ-7માં અભ્યાસ કરતો માસુમ બાળક પોતાના જ ઘરમાં સતત મોબાઈલમાં મશગૂલ રહેતો હતો. માતા-પિતાએ જ્યારે તેને મોબાઈલ ફોન બાજુ પર મૂકીને શાળાનું હોમવર્ક કરી લેવાનું કહ્યું, ત્યારે બાળકને અસહ્ય માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવીને બાળકે રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે લટકી જીવન ટૂંકાવી લીધું હતું.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી મોબાઈલની લતને કારણે બાળકના મગજ પર ગંભીર નકારાત્મક અસરો થઈ હતી અને તેનો સ્વભાવ અત્યંત જિદ્દી બની ગયો હતો. એકના એક લાડકવાયા ચિરાગને ગુમાવતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બનાવની જાણ થતાં ચોક બજાર પોલીસે સ્થળ પર પહોંચી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ડિજિટલ એડિક્શન બાળકોના માનસિક સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે તેનો આ પુરાવો છે. બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને તેમના વર્તનમાં આવતા ફેરફારો પર ધ્યાન આપવું આજે ખૂબ જ જરૂરી બની ગયું છે.
