• પલસાણા તાલુકાના દસ્તાન ગામના સીમ વિસ્તારની ઘટના

  • પલસાણા નજીક ખંભાતના પરિવારનો થયો ભયંકર અકસ્માત

  • રસ્તા પર ઊભા રહેલ ટેમ્પો પાછળ કાર ધડાકાભેર અથડાઇ

  • કારમાં સવાર એક જ પરિવારના 4 સભ્યોને કાળ ભરખી ગયો

  • દાઉદી વ્હોરા સમાજમાં ગમગીની છવાઈ, પોલીસ તપાસ શરૂ

મળતી માહિતી અનુસાર, ખંભાતના કાદરપુરા મહોલ્લા, એમ.પી. હાઈસ્કૂલની બાજુમાં રહેતા હોઝેફા એડનવાલા, મુર્તુજા યુસુફઅલી એડનવાલા, મુર્તુઝા ઝોએબ એડનવાલા અને મુનીરા મુર્તુજા યુસુફઅલી એડનવાલા ઈકો કારમાં મુંબઈથી સારવાર કરાવી પરત ખંભાત આવી રહ્યા હતા. તે દરમિયાન સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકાથી કીમ તરફ જતા માર્ગ પર આઈશર ટેમ્પોનું ટાયર ફાટતા તે રસ્તા પર ઊભું હતું. આ દરમિયાન પાછળથી આવતી ઈકો કાર ટેમ્પાના પાછળના ભાગે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર તમામ ચારેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પલસાણા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કાર્યવાહી સહિત તેમની ઓળખ કરી વાલીવારસોને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પલસાણા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.