શહેરમાં એકબાજુ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે રવિવારે રાતે 11.40 કલાકની આસપાસ આયુષ ડૉક્ટર હાઉસ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. હૉસ્પિટલનાં પાંચમાં માળે અચાનક લાગેલી આગમાંથી ફાયર વિભાગે 12 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને સ્મીમેર અને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ભીષણ આગ લાગતા હૉસ્પટિલમાં દોડધામ મચી ગઇ હતી. હૉસ્પિટલમાં આગ લાગ્યાની ખબર મળતા જ દર્દીઓના સંબંધીઓ પણ હૉસ્પિટલ બહાર આવી ગયા હતા. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર આવ્યાં નથી અને સુરતમાં મોટી આફત ટળી છે.
આયુષ હોસ્પિટલમાં આગ લાગતાં સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા. આ દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરાતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. છ ફાયર સ્ટેશન પરથી વાહનો દોડી આવ્યાં હતાં. ફાયરે ઘટનાને કાબૂમાં લઈ કોરોનાની સારવાર લેતા 12 દર્દીને રેસ્ક્યૂ કર્યા હતા.
ફાયર ઓફિસર જગદીશ પટેલે કહ્યું હતું કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. કોઇ ઇજા કે જાનહાનિ જોવા મળી નથી. હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં પ્રાથમિક રીતે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે. આઇસીયુ વોર્ડમાં 12 કોરોના દર્દી દાખલ હતા. જે તમામને રેસ્ક્યૂ કરી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.