-
4 દિવસમાં બીજી વખત યુપી સ્ટાઈલથી ‘હાફ એન્કાઉન્ટર‘
-
મીઠીખાડી વિસ્તારમાં આરોપીએ કર્યો પોલીસ ઉપર હુમલો
-
ધરપકડથી બચવા આરોપીનો પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
-
કોન્સ્ટેબલને ચપ્પુ મારતા PIએ આરોપીને પગમાં ગોળી મારી
-
2 રાઉન્ડ ફાયરિંગ કરાતા ઇજાગ્રસ્ત આરોપી સારવાર હેઠળ
સુરત શહેરના લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર આરોપીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો, ત્યારે પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપી ફસડાઈ પડ્યો હતો.
સુરત શહેરમાં 4 દિવસમાં ‘હાફ એન્કાઉન્ટર‘ની બીજી ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રિએ નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે લિંબાયત પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે, આરોપી મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલો છે, જ્યારે પોલીસ રાહુલને પકડવા પહોંચી, ત્યારે ધરપકડથી બચવા માટે આરોપી રાહુલે પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચૌહાણે ત્વરિત સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે ફસડાઈ પડ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી સારવાર માટે નવી સિવિલ ખસેડ્યો હતો. રાહુલ જોગીને લઈને જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે તે કણસી રહ્યો હતો. સારવાર દરમિયાન પણ દર્દમાં ‘ફરી આવું ન કરવાનું’ કહી બુમો પાડી રહ્યો હતો. તો બીજી તરફ, આરોપીના હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને સારવાર માટે ગોડાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
