-
સુરતના વિમાની મુસાફરો માટે માઠા સમાચાર
-
દુબઈ ફ્લાઇટ પર ફરી લાગી બ્રેક
-
એર ઇન્ડિયા એક્સપ્રેસે બુકિંગ લીધા બાદ કામગીરી સ્થગિત કરી
-
સુરત-દિલ્હીનું ભાડું 6 હજારથી વધીને સીધુ 12 હજારને પાર
-
યુદ્ધની સ્થિતિ અને UAEની નવી ગાઈડલાઈનથી અસર
સુરતના વિમાની મુસાફરો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સુરત-દુબઈ ફ્લાઇટ પર ફરી એકવાર ગ્રહણ લાગ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા જાહેરાત કર્યા બાદ પણ ઓપરેશન શરૂ ન થતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતથી આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવાનું સુરતીઓનું સપનું ફરી એકવાર વિલંબમાં પડ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે આગામી 17 મેથી સુરત-દુબઈ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તે માટે બુકિંગ પણ લેવાનું શરૂ કરી દીધું હતું. જોકે, હવે અચાનક જ આ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. જેને કારણે વિદેશ જવા માંગતા સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
ફ્લાઇટ રદ થવા પાછળનું મુખ્ય કારણ યુદ્ધની વર્તમાન સ્થિતિ અને UAE દ્વારા વિદેશી એરલાઇન્સ પર લાદવામાં આવેલી અસ્થાયી કેપ માનવામાં આવી રહ્યું છે. આ ટેકનિકલ અને રાજદ્વારી કારણોસર સુરત-દુબઈ ફ્લાઇટ હજુ પાટા પર ચડી શકી નથી.એક તરફ દુબઈની ફ્લાઇટ બંધ છે, તો બીજી તરફ ડોમેસ્ટિક ભાડામાં કમરતોડ વધારો થયો છે. સુરત-દિલ્હીનું જે ભાડું અગાઉ 6 હજાર રૂપિયાની આસપાસ રહેતું હતું, તે હવે વધીને સીધુ 12 હજાર રૂપિયા થઈ ગયું છે.
