/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/19132608/maxresdefault-128.jpg)
સુરત ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોનાને લઈ ગુજરાતના ધારાસભ્યો, કાઉન્સિલરો, ભાજપના નેતા અને કાર્યકર્તાઓ સાથે વેબીનાર યોજી રાજ્યભરમાં પેજ બુથ લેવલે કામગીરી કરવા હાકલ કરી હતી. જેમાં “મારું પેજ કોરોનામુક્ત” અભિયાન સાથે નવા આઈસોલેશન સેન્ટર, રક્તદાન, પ્લાઝમાની સહાય અને કોરોના વેક્સિનેશન જાગૃતિ સહિત લોકોને ભોજન વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી હતી.
સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે. જોકે ભાજપની સરકાર કોઇ પણ રીતે આ મહામારીને પહોંચી વળતી નથી. જેથી અનેક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સત્તાધારી પાર્ટી વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત ભાજપને જોડીને કોરોના સામેની લડતમાં લોકોની પડખે ઊભા રહેવા માટે વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. તેઓએ સમગ્ર ગુજરાત પ્રદેશ ભાજપની એક મિટિંગ કરી હતી. જેમાં તમામ સાંસદો અને ધારાસભ્યોને કોરોના કેર સેન્ટર અથવા આઇસોલેશન સેન્ટરો ઉભા કરવા જણાવ્યુ હતું. તો સાથે જ બ્લડ કેમ્પ અને પ્લાઝમા કેમ્પ કરવાનો પણ આગ્રહ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં બનાવેલા પેજ કમિટી અને બુથ કમીટીને પણ આગળ આવી સામાન્ય લોકોને મદદ કરવા તાકીદ કરાઇ હતી. તેઓએ “મારું પેજ કોરોનામુક્ત” અભિયાન ચલાવવા માટે હાકલ કરી હતી. આ સાથે તેઓએ જણાવ્યુ હતું કે, પ્રદેશ કક્ષાએથી એક કોરોના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. જેમાં દરેક પેજ પ્રમુખ આગળ આવે અને કમિટી સાથે પોતાના મતદારયાદી પેજમાં આવતા લોકો પૈકી કોરોના દર્દી માટે મદદરૂપ થાય. તો સાથે જ કોરોનાના દર્દીને તમામ પ્રકારની મદદ મળી રહે તે માટે કમિટી સ્તરે ન પહોંચી વળાય તો શહેર કે, જિલ્લા પ્રમુખ અથવા કાર્યાલયનો સંપર્ક કરવા અને જરૂર પડે તો પ્રદેશ કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યુ હતું. આ અવસરે સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને જયેશ રાદડિયાની કામગીરીને પણ પ્રદેશ અધ્યક્ષે બિરદાવી હતી.