સુરત : કોરોનાનું સંક્રમણ ઘટતા બસ સેવા પુનઃ શરૂ કરાઇ, પરંતુ સીટી બસ સેવા બંધ રહેતા લોકોને હાલાકી

New Update
સુરત : કોરોનાનું સંક્રમણ ઘટતા બસ સેવા પુનઃ શરૂ કરાઇ, પરંતુ સીટી બસ સેવા બંધ રહેતા લોકોને હાલાકી

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધતા મનપા દ્વારા બી.આર.ટી.એસ. અને સીટી બસ સેવા બસ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે તબક્કાવાર બસ સેવા શરુ કરવામાં આવી રહી છે. અગાઉ મનપા દ્વારા પાંચ રૂટ પર ૮૩ બસો દોડતી કરી હતી. અને હવે નવા ત્રણ રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં વધુ ૬૦ બસો દોડતી થઇ છે. આમ કુલ ૮ રૂટ પર ૧૪૩ બસો દોડતી થઇ છે. પરંતુ શહેરમાં હજુ સીટી બસ સેવા બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધતા મનપા દ્વારા ૧૭ માર્ચથી બી.આર.ટી.એસ. અને સીટી બસ સેવા બંધ કરવામાં આવી હતી. બસ સેવા બંધ થતા નાછુટકે લોકોને રીક્ષામાં બેસીને મુસાફરી કરવી પડતી હતી. નોકરી ધંધે સમયસર પહોચવા માટે નાછુટકે લોકો રીક્ષામાં પણ ખીચોખીચ બેસીને મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે.

જેથી હવે તંત્ર દ્વારા તબક્કાવાર બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. મનપા દ્વારા અગાઉ ૫ રૂટ પર બસ સેવા શરુ કરી હતી. જેમાં ઉધના દરવાજાથી સચિન જી.આઈ.ડી.સી. જંકશન વચ્ચે ૧૩ બસ, ડુમસ ઓ.એન.જી.સી. કોલોનીથી સરથાણા નેચર પાર્ક વચ્ચે ૨૨ બસ, પાલ આર.ટીઓ. થી સરથાણા નેચર પાર્ક સુધી ૨૪ બસ, હાલ દોડાવવામાં આવી રહી છે.

હવે નવા ત્રણ રૂટ પણ મનપાએ શરુ કર્યા છે. આ ત્રણ રૂટ પર એટલે કે સરથાણા નેચર પાર્કથી સચિન રેલ્વે સ્ટેશન વચ્ચે ૨૯ બસ, જહાંગીરપુરા કોમ્યુનીટી હોલથી પાંડેસરા જી.આઈ.ડી.સી. વચ્ચે ૨૪ બસ, કોસાડ આવાસ થી સરથાણા નેચર પાર્ક સુધી ૭ બસ મળી વધુ ૬૦ બી.આર.ટી,.એસ બસ દોડતી થઇ છે. જોકે, કોરોનાની સ્થતિ કાબુમાં આવતા તંત્રએ બી.આર.ટી.એસ. રૂટ તો શરૂ કરી દીધા છે. પરંતુ સુરતમાં હજુ પણ સીટી બસ સેવા શરૂ કરવામાં આવી નથી. સીટી બસ સેવા બંધ રહેતા લાખો મુસાફરોને હજુ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સીટી બસ બંધ હોવાના કારણે સુરત શહેરમાં હજુ પણ લોકો નાછૂટકે ડબલ ભાડા આપી રીક્ષામાં ખીચોખીચ બેસીને મુસાફરી કરી રહ્યા છે, ત્યારે સીટી બસ સેવા પણ તંત્ર વહેલી તકે શરૂ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.